
મુંબઈના 17 પ્રાચીન પ્યાઉનું સમારકામ; BMCનો 16.35 કરોડનો પ્રોજેક્ટ શરૂ
મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના 150–200 વર્ષ જૂના 17 ઐતિહાસિક પીવાના ફુવારાઓ (પ્યાઉ)નું સમારકામ કરવા ટેન્ડર જાહેર કર્યું છે. બ્રિટિશ યુગ અને તે સમયના દાતાશ્રીઓ દ્વારા બનાવાયેલા આ ફુવારા વર્ષોથી ઉપયોગમાં ન હોવાથી જર્જરિત હાલતમાં હતા.
BMCના જણાવ્યા પ્રમાણે, પુનઃસ્થાપન કાર્ય માટે 16.35 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને કોન્ટ્રાક્ટર નિમાયા બાદ કામ એક વર્ષની અંદર પૂરું કરવાની યોજના છે.
આ પહેલ પહેલાં પણ મ્યુનિસિપાલિટી શહેરના 13 ફુવારાઓનું નવીનીકરણ કરી ચૂકી છે, જેમાં મેટ્રો સિનેમા પાસેનો 100 વર્ષ જૂનો માધવદાસ કોઠારી ફુવારો સૌથી ખાસ છે. BMCનું માનવું છે કે આ પ્રોજેક્ટથી શહેરની પ્રાચીન સ્થાપત્ય કલા અને મફત પાણી આપવાની પરંપરા ફરી જીવંત બનશે.