
ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણમાં સ્થિત સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક માળખું નથી, પરંતુ તે ભારતની અસ્મિતા, સંઘર્ષ અને પુનરુત્થાનની જીવંત કથા છે. હજારો વર્ષોથી આ સ્થાન કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ ભૂમિ એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શિવ સ્વયં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. સોમનાથનો અર્થ થાય છે ‘ચંદ્રના સ્વામી’. આ મંદિરના ઈતિહાસમાં જેટલો વૈભવ છે, તેટલો જ સંઘર્ષ પણ છે, જે તેને વિશ્વના અન્ય મંદિરો કરતા અલગ તારવે છે.
પૌરાણિક પૃષ્ઠભૂમિ: સોમરાજ અને શિવકૃપાની કથા
સોમનાથની સ્થાપના પાછળની કથા અત્યંત પ્રાચીન અને રોમાંચક છે. પૌરાણિક માન્યતા મુજબ, પ્રજાપતિ દક્ષની ૨૭ પુત્રીઓના લગ્ન ચંદ્રદેવ (સોમ) સાથે થયા હતા. આ ૨૭ કન્યાઓ એટલે કે આકાશના ૨૭ નક્ષત્રો. જોકે, ચંદ્રને આ તમામ પત્નીઓમાં ‘રોહિણી’ પ્રત્યે વિશેષ અનુરાગ હતો અને તેઓ અન્ય પત્નીઓની અવગણના કરતા હતા. પોતાની પુત્રીઓના દુઃખથી વ્યથિત થઈને દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો કે તેમનું તેજ નષ્ટ થઈ જશે અને તેમને ‘ક્ષય’ રોગ લાગુ પડશે. શ્રાપના પ્રભાવથી ચંદ્રની કળાઓ ક્ષીણ થવા લાગી અને સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો.
પોતાના પાપના પશ્ચાતાપ અને તેજ પાછું મેળવવા માટે ચંદ્રદેવે બ્રહ્માજીની સલાહ માની અને પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી ભગવાન શિવની આરાધના શરૂ કરી. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે ચંદ્રને વરદાન આપ્યું કે તેમનું તેજ સંપૂર્ણ નષ્ટ નહીં થાય, પરંતુ એક પખવાડિયામાં તે ઘટશે અને બીજા પખવાડિયામાં વધશે (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ). જે સ્થળે મહાદેવે ચંદ્રનો ઉદ્ધાર કર્યો, ત્યાં જ દેવોની વિનંતીથી શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. ચંદ્રએ અહીં પ્રથમ સોનાનું મંદિર બનાવ્યું હોવાથી તેનું નામ ‘સોમનાથ’ પડ્યું.
ઈતિહાસના ઝરુખે: વિનાશ સામે સર્જનનો વિજય
સોમનાથનો ઈતિહાસ એ આક્રમણકારોની ક્રૂરતા અને ભારતીય શ્રદ્ધાની જીદ, એ બન્ને વચ્ચેના વિનાશકારી યુદ્ધનો સાક્ષી છે. ઈતિહાસકારો નાં વર્માણન મુજબ સોમનાથ મંદિર પર અનેકવાર આક્રમણો થયા અને તેને તોડવામાં આવ્યું. સૌથી ભયાનક આક્રમણ ઈ.સ. ૧૦૨૪માં ગઝનીના સુલતાન મહમૂદ ગઝનીએ કર્યું હતું. મંદિરની અઢળક સંપત્તિ, સોના-ઝવેરાત અને શિવલિંગ પરના અતૂટ વિશ્વાસને તોડવા માટે તેણે આક્રમણ કર્યું અને મંદિરનો નાશ કર્યો. આ હુમલામાં હજારો લોકોએ મંદિરની રક્ષા કરતા બલિદાન આપ્યા હતા. પણ ફરી તેનો જીર્ણોધ્ધાર કરાયો હતો.
ગઝની પછી પણ અલાઉદ્દીન ખીલજી, મુઝફ્ફર શાહ અને છેલ્લે ઔરંગઝેબે પણ સોમનાથ મંદિરને ધ્વસ્ત કરવાના પ્રયાસો કર્યા. પરંતુ દર વખતે ભારતીય શાસકો અને પ્રજાએ પોતાની આસ્થાના જોરે આ મંદિરને ફરી બેઠું કર્યું. ભીમદેવ સોલંકીથી લઈને હમીરજી ગોહિલ જેવા અનેક વીરોએ સોમનાથની પવિત્રતા જાળવવા માટે પોતાની કુરબાની આપી હતી. લોહીના અંતિમ ટીપા સુધી આ આક્રમણકારો સામે લડત આપી હતી. હમીરજી ગોહિલની દેરી આજે પણ મંદિરના પ્રવેશદ્વાર પાસે શૌર્યની ગાથા ગાય છે. આ મંદિરના વારંવાર થતા પુનઃનિર્માણના કારણે તેને ‘અમરત્વનું મંદિર’ (The Shrine Eternal) કહેવામાં આવે છે.
આધુનિક પુનઃનિર્માણ અને સરદાર પટેલનું વિઝન
ભારત દેશ આઝાદ થયો ત્યારે સોમનાથ મંદિર ખંડેર હાલતમાં હતું. આઝાદી પછી જ્યારે જૂનાગઢનું ભારતમાં વિલીનીકરણ થયું, ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની મુલાકાત લીધી. સમુદ્રનું પાણી હાથમાં લઈને તેમણે સંકલ્પ કર્યો કે ગુલામીના પ્રતીક સમાન આ ખંડેરમાંથી ફરીથી ભવ્ય સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મહાત્મા ગાંધીએ પણ આ વિચારને ટેકો આપ્યો, પરંતુ સૂચન કર્યું કે મંદિરનું નિર્માણ સરકારી ખર્ચે નહીં પણ જનતાના ફાળાથી થવું જોઈએ.
કનૈયાલાલ મુનશી (ક.મા. મુનશી) ના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટની રચના થઈ અને પ્રાચીન ‘ચાલુક્ય શૈલી’ માં નવા મંદિરનું બાંધકામ શરૂ થયું. ૧૧ મે, ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તે સમયે રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, “આ મંદિર રેતીના ઢગલામાંથી ફરી ઊભું થયું છે અને તે સાબિત કરે છે કે દુનિયામાં કોઈ પણ તાકાત ભારતની આસ્થાને કચડી શકતી નથી.”
ભૌગોલિક અને ખગોળીય મહત્વ: બાણસ્તંભનું રહસ્ય
સોમનાથ મંદિરનું સ્થાન અત્યંત રહસ્યમય અને જ્ઞાનસભર છે. મંદિરના પ્રાગણમાં દક્ષિણ દિશામાં એક વિશાળ ‘બાણસ્તંભ’ આવેલો છે. આ સ્તંભ પર એક તીર કોતરેલું છે જે સમુદ્ર તરફ નિર્દેશ કરે છે. આ સ્તંભ પર લખાયેલું છે કે, “આ બાણસ્તંભની સીધી રેખામાં દક્ષિણ ધ્રુવ સુધી કોઈ જમીનનો ટુકડો આવતો નથી.” આ સાંભળવામાં સાધારણ લાગે, પરંતુ હજારો વર્ષો પહેલા ભારતીય મનીષીઓને પૃથ્વીના નકશા અને ભૌગોલિક સ્થિતિનું કેટલું ઊંડું જ્ઞાન હશે, તે આ સ્તંભ પરથી જાણી શકાય છે. સોમનાથ એ શૂન્ય અને અનંત વચ્ચેનું એક બિંદુ છે જે ખગોળીય ગણતરીઓ માટે પણ મહત્વનું ગણાય છે.
ઉત્સવો, તહેવારો અને અતૂટ શ્રદ્ધાનો મહાકુંભ
સોમનાથ મંદિર દરરોજ હજારો ભક્તોના ‘જય સોમનાથ’ ના નાદથી ગુંજી ઉઠે છે. અહીં ઉજવાતા ઉત્સવોમાં ‘મહાશિવરાત્રી’નું વિશેષ મહત્વ છે. શિવરાત્રીના દિવસે અહીં લાખો ભક્તોની લાઈનો લાગે છે અને આખો દિવસ પાલખી યાત્રા તથા મહાપૂજાના આયોજનો થાય છે. શ્રાવણ માસ દરમિયાન પણ ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. દરેક સોમવારે શિવજીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે.
કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે, જે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનું દર્શન કરાવે છે. આ મેળામાં આદિવાસી નૃત્યો, લોક સંગીત અને શિવભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. સાંજના સમયે દરરોજ અહીં ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ યોજાય છે, જે દરિયાના ઘૂઘવતા અવાજ સાથે મંદિરના હજારો વર્ષોના ઈતિહાસને જીવંત કરે છે. સોમનાથની આરતી વખતે વાગતા નગારા અને શંખનાદ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે.
સંગમતીર્થ અને અન્ય આકર્ષણો
સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારો પણ અત્યંત પવિત્ર છે. ત્રિવેણી સંગમ ખાતે કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો મેળાપ થાય છે, જ્યાં પૂર્વજોના શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે. મંદિરથી થોડે દૂર ‘ભાલકા તીર્થ’ આવેલું છે, જ્યાં એક પારધીના બાણથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની લીલા સંકેલી હતી. આ ઉપરાંત લક્ષ્મીનારાયણ મંદિર, જૂનું અહલ્યાબાઈ હોલકરનું મંદિર અને ગીતા મંદિર પણ જોવાલાયક છે.
આજે સોમનાથ માત્ર એક ધાર્મિક પર્યટન સ્થળ નથી, પણ તે ભારતીય સ્થાપત્ય કલાનો બેજોડ નમૂનો છે. સમુદ્રના ખારા પવન છતાં મંદિરની ભવ્યતા અકબંધ છે. મંદિરમાં કરવામાં આવેલી જટિલ કોતરણી, પથ્થરોની ગોઠવણી અને શિખર પર લહેરાતી ધજા એ આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન કલાનો સમન્વય છે.
મહિમા
જો એમ કહીએ કે ‘સોમનાથ મહાદેવ’ એ ભારતનું હૃદય છે તો જરાય અતિશયોક્તિ નહિ લાગે. તે આપણને શીખવે છે કે સમય ગમે તેટલો મુશ્કેલ હોય, પરંતુ જો સત્ય અને ઈશ્વરમાં અડગ વિશ્વાસ હોય તો ગમે તેવા વિનાશ પછી પણ પુનઃઉત્થાન શક્ય છે. સોમનાથની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ ત્યાંની દિવ્ય ઉર્જા અને દરિયાના પવિત્ર મોજાઓથી અભિભૂત થઈ જાય છે. તે હિન્દુ ધર્મના ગૌરવશાળી ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્યનું સાશ્વત પ્રતીક છે.
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મહાદેવ હર.
આપણા ભારતનાં તમામ તીર્થ સ્થાનોનાં દર્શન – પ્રવાસ અને અન્વ્યય તમામ વ્યવસ્થા માટે માર્ગદર્શન
આપ દુનિયાના કોઈ પણ ખૂણે વસતા હો, પણ ભારતમાં કોઈ પણ સ્થળે આપની આસ્થાના પ્રતિક એવા દેવી – દેવતાઓ નાં દર્શન માટે તથા ચારધામ યાત્રા, અષ્ટવિનાયક યાત્રા, કે પછી વ્યક્તિગત – કૌટુંબિક આસ્થાના પ્રતિક દેવબાપા કે દેવીનાં દર્શન કે પછી માનતા પૂર્તિ માટે કોઈ પણ તીર્થ સ્થળ કે પછી તમારા નેટીવ – મૂળ ગામ – ગંતવ્ય સ્થાને પહોંચવા માટે જરૂરી માર્ગદર્શન તથા પ્રવાસ, નિવાસ અને ભોજન ઈત્યાદી કે શોપિંગ, તમામ વ્યવસ્થાઓ માટે કૃપયા સંપર્ક સાધો. manbhavee@gmail.com, manbhavee@yahoo.com. call : +91 8779707072.