2022ના લેસ્ટર દંગલ પછી એક બાબત સ્પષ્ટ થઈ હતી—ધાર્મિક પ્રતીકો અને સમુદાયોની ઓળખ ઘણીવાર ખોટા અર્થઘટનના નિશાન બને છે. હવે ફરી એ જ ચક્ર દોહરાતું દેખાઈ રહ્યું છે.
ગણેશ ચતુર્થીના દિવસે કાર રેલીમાં બે વાહનો પર ભગવા ઝંડા ફરકાવવામાં આવ્યા. સામાન્ય રીતે આ ઝંડો હિન્દુ ધર્મની પરંપરા અને આસ્થાનું પ્રતિક છે. પરંતુ મુસ્લિમ કાઉન્સિલ ઓફ યુકેએ 28 ઑગસ્ટે નિવેદન આપી તેને “હિન્દુત્વ સાથે જોડાયેલો” ગણાવ્યો અને સત્તાવાળાઓને તાત્કાલિક પગલાં લેવા કહ્યું. આ નિવેદનથી સમુદાયો વચ્ચે ફરી તણાવ ર્સજાયો હતો.
એના વિરોધમાં હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન ગ્રુપ—જેમાં 40થી વધુ હિન્દુ સંગઠનો સામેલ છે—એ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેમની દલીલ છે કે કાઉન્સિલનું નિવેદન ખોટું અને ઉશ્કેરણીજનક છે, તથા હિન્દુઓ પ્રત્યે શંકા અને નફરતમાં વધારો કરશે. ગ્રુપના સંયોજક વિનોદ પોપટના શબ્દોમાં, “ભગવો ઝંડો શાંતિ, બલિદાન, સાહસ અને સત્યનું પ્રતીક છે. એને કટ્ટરવાદ સાથે સાંકળવું ધાર્મિક સ્વતંત્રતાના હક્કની વિરુદ્ધ છે.”
આ વિવાદનો અર્થ શું?
લેસ્ટરમાં સમુદાય વચ્ચેનો વિશ્વાસ હજી નાજુક છે. 2022ના તણાવમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા અને ખોટી માહિતી આગમાં ઘી પુરતા સાબિત થયા હતા. હવે જો ધાર્મિક પ્રતીકોને રાજકારણ કે કટ્ટરવાદ સાથે બાંધવામાં આવશે, તો એ નાની બાબત પણ મોટો વિવાદ સર્જી શકે છે.
આગળની દિશા
આવી પરિસ્થિતિને ટાળવા માટે જરૂરી છે કે સ્થાનિક નેતાઓ બંને સમુદાય વચ્ચે ખુલ્લી ચર્ચા પ્રોત્સાહિત કરે, કાયદો અને વ્યવસ્થા તંત્ર ઝડપથી તથ્ય આધારિત માહિતી આપે અને ધાર્મિક પ્રતીકોનું ખોટું અર્થઘટન થતું રોકે. નહિંતર, લેસ્ટર ફરીથી તણાવના વલયમાં ફસાઈ શકે છે.