
જે ફિલ્મે વિશ્વભરમાં $313 મિલિયનથી વધુની કમાણી કરી, બેસ્ટ મુવી, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ચાર એકેડેમી એવોર્ડ જીત્યા. અને જે ફિલ્મને શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ ફિલ્મ સંપાદન, શ્રેષ્ઠ મેકઅપ અને શ્રેષ્ઠ મૂળ સ્કોર માટે પણ નામાંકિત કરવામાં આવી એ 2001ની ફિલ્મ રૉન હૉવર્ડ દ્વારા નિર્દેશિત અને રસલ ક્રો અભિનીત ‘A Beautiful Mind ‘–હ્યુમન માઈન્ડ , માઈન્ડ સેટ અને એક વ્યક્તિના વ્યક્તિત્વનાં સંઘર્ષનું સચોટ નિરૂપણ છે.
કથાનક : 1947માં પ્રિન્સટન યુનિવર્સિટીની મેથેમેટિક્સની સ્કોલરશિપ, ત્યાર બાદ ગવર્નિંગ ડાયનેમિક્સ- નવા કોન્સેપ્ટનું ડેવલપમેંટ. આ થિયોરીની સફળતા બાદ જ્હોન નૅશને 1953માં સોવિયેત કાવતરાને ડામવા – સંદેશાવ્યવહારના સિક્રેટ પેટર્ન ને ડીકોડ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સના વિલિયમ પાર્ચર દ્વારા- પેન્ટાગોનમાં અપોઈન્ટ કરવામાં આવે છે. એક ડાયોડ – જે ડ્રોપ સ્પોટ સુધી પહોંચવા માટેનો પાસકોડ હોય છે, તે ઈમ્પ્લાન્ટ કરાયો. કામ પ્રત્યે નૅશનું ઝનૂન હવે ચરમ પર પહોચે છે, તે ઝનૂની અને પેરાનોઇડ બને છે.
નૅશ, એલિસિયા લાર્ડેનાં પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગેસ્ટ લેક્ચર વખતે, નૅશને એવો ભાસ થાય છે કે સોવિયેત એજન્ટ્સ તેનો પીછો કરે છે. તેને બેહોશ કરવામાં આવે છે ને અને જાગે છે ત્યારે તે ડો. રોઝનની દેખરેખ હેઠળ એક માનસિક સુવિધામાં હોય છે. ડો. રોઝન, એલિસિયાને કહે છે કે નૅશને સ્કિઝોફ્રેનિયા છે અને ચાર્લ્સ, માર્સી (ચાર્લ્સની ભત્રીજી) અને પાર્ચર ફક્ત તેની કલ્પનામાં જ અસ્તિત્વ ધરાવે છે. નૅશને ઇન્સ્યુલિન શોક થેરાપીનો કોર્સ આપવામાં આવે છે.
હવે નૅશ માટે વાસ્તવિકતા અને ભ્રમણાઓ વચ્ચે તફાવત કરવાનું મુશ્કેલ થતું જાય છે. રોઝનની સલાહ મુજબ હોસ્પિટલમાં દાખલ થઇ ટ્રીટમેન્ટથી લેવાનું નૅશ નકારે છે. તે હવે પ્રિન્સ્ટન પાછો ફરે છે. તે તેની ભ્રમણાઓને અવગણવાનું શરુ કરે છે. ફરી મેથેમેટિક્સ શીખવવાનું શર્રું કરે છે. 1994માં નૅશને ગેમ થિયરી પરના તેમના કાર્ય માટે અર્થશાસ્ત્રમાં નોબેલ મેમોરિયલ પુરસ્કાર એનાયત કરાય છે. આ પુરસ્કાર તેમની પત્નીને સમર્પિત કરે છે. સમારોહ પછી નૅશ, ચાર્લ્સ, માર્સી અને પાર્ચરને ફરીથી મળે છે, પરંતુ જ્યારે તેઓ જતા રહે છે ત્યારે તે, તેઓને અવગણે છે.
આમ સ્કિઝોફ્રેનિયા સાથે જીવાતા જીવનની વાસ્તવિકતા કેવી રીતે નૅશના જીવનને ભરડામાં લે છે તે યાત્રા ખરેખર ભાવુક છે.
રૉન હૉવર્ડ દ્વારા નિર્દેશિત અને રસલ ક્રો દ્વારા અભિનીત ‘અ બ્યુટીફૂલ માઈન્ડ’, એ રિયાલિસ્ટિક સિનેમા નથી કે સમાંતર સિનેમા પણ નથી છતાં નૅશની માનસિક અને આંતરિક વ્યથાનાં સંઘર્ષને, તેની વિચાર પ્રક્રિયાઓને, એની ધારણાઓને, એના જીવનની ઘટનાઓને અને બહારની દુનિયા સાથેનાં ઇન્ટરએક્શનને જે સંતુલિત રીતે આકાર આપવામાં આવ્યો છે તે ફિલ્મને ‘ક્લોઝ ટૂ રિયાલિસ્ટિક’ પણ ભાવનાત્મક પ્રેમકથા બનાવે છે.
‘A Beautiful Mind’ને પ્રેક્ષકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે, વિવેચકો એ પણ ફિલ્મને વખાણી તો છે પણ વાસ્તવિકતા અને સિનેમેટિક લિબર્ટી બાબતે એ આલોચના કરી છે કે ફિલ્મનું કન્ટેન્ટ તેના મૂળ પુસ્તક કરતા અલગ છે, ફિલ્મ સ્કિઝોફ્રેનિયાને રોમેન્ટિક બનાવે છે, નૅશનાં જીવનની વાસ્તવિક ઘટનાઓને અવગણવામાં આવી છે – ખાસ કરીને, એલિસિયાથી તેના છૂટાછેડા – અને તેની માનસિક બીમારીને યોગ્ય રીતે રજૂ કરવામાં નથી આવી.
જોકે અમુક વિવેચકોએ તો ફિલ્મના ભારોભાર વખાણ કર્યા અને એ સ્પષ્ટ કર્યું કે ફિલ્મ મેકિંગ માટે જરૂરી સિનેમેટિક લિબર્ટી લેવામાં આવી હોવા છતાં એ હકીકત છે કે સ્કિઝોફ્રેનિયાને કારણે વ્યક્તિની મેન્ટલ હેલ્થ અને લોકો સાથેના સંબંધોમાં સર્જાતા ખાલીપા વિષે એક ચર્ચા શરુ થઇ છે અને લોકો જાગૃત થઇ રહ્યા છે એ આવકારદાયક છે.
ફિલ્મના મેકિંગ દરમિયાનની યાદગાર પળો: એલિસિયાની ભૂમિકામાં જેનિફર કૉનેલી એટલી ઓતપ્રોત હતી કે ભાવુક દ્રશ્યોમાં હમેશા આંખોમાંથી વાસ્તવિક આંસુ જ સરતા, કયારેય કૃત્રિમ આંસુ લેવાની જરૂર ના પડી. બીજું શુટિંગ દરમિયાન અમુક વખતે તો જેનીફરનું પરફોર્મન્સ જોઈ અન્ય કૃ મેમ્બર્સની આંખોમાં થી પણ આંસુ સરી પડ્યા હતા.
વાસ્તવિક જીવનમાં નૅશ ગણિતના સમીકરણો પોતાના ઘરની વિન્ડો પર લખતા , જે શુટિંગ દરમિયાન આખી ફિલ્મનાં આયકોનીક વિઝ્યુઅલ બની ગયા. કલાત્મક અને ટેકનીકલ બન્ને રીતે પડકાર રૂપ આ દૃશ્યો નાં શુટિંગ માટે અને ધારી અસર નીપજાવવા માટે વિન્ડો -કાચ પર એક પારદર્શક ઓવર-લે મુકવામાં આવ્યું હતું. અને રસલ ક્રો મજાકમાં કહેતા કે “એવું લાગી રહયું છે જાણે એક “વાહિયાત- અડીયલ વૈજ્ઞાનિક અર્થહીન લખાણો વિન્ડો પર લખી રહ્યો છે”. અને સૌ પેટ પકડીને હસતા.
ફિલ્મના શુટિંગ દરમિયાન સૌથી ભાવુક પળ એ હતી જ્યારે જ્હોન નૅશ અને એલિસિયા નૅશ – જાતે પોતે સેટ પર આવ્યા અને કાસ્ટ- કૃ ને મળ્યા, શુભકામનાઓ આપી. તેમજ રસલ ક્રો નાં અભિનયને જોઈ કહ્યું….” હી હેઝ ગોટ ઇંટ, ધેટ’સ મી!!!’ અર્થાત ‘સહી પકડે હૈ !!!” અને એ સાંભળી રસલ ક્રો પણ ભાવુક થઇ ગયા ને એમની આંખમાંથી આંસુ સરી પડ્યા.
“અ બ્યુટીફુલ માઇન્ડ” ફક્ત સ્કિઝોફ્રેનિયા વિશેની ફિલ્મ નથી – તે પ્રેમ અને હ્યુમન ઈમોશન્સનું રીસર્ચ છે. સ્ક્રીન પર દર્શાવવામાં આવેલી જ્હોન નૅશની જીવન યાત્રા આપણને અપૂર્ણતાઓથી પરે દ્રષ્ટી કેળવવા અને દ્રઢતાનાં પ્રભાવને સ્વીકારવા માટે પ્રેરણા આપે છે. આ કાલાતીત માસ્ટરપીસ અર્થપૂર્ણ સંવાદ ને ઉજાગર કરે છે, જે હૃદય અને મન બંને પર એક અમીટ છાપ છોડીને જાય છે.
સિગ્નેચર
અરાજકતા કે હતાશા અને ઉદાસીનતાનો સામનો કરતી વખતે પણ, આશા અને દૃઢ નિશ્ચય, અસાધારણ વિજય તરફ દોરી જાય છે. ચમત્કાર ને નમસ્કાર !!!!!
મનીશ શેઠ